Humrahi

ડાયાબિટીસ ધરાવતી મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી

ડાયાબિટીસ મેલિટસ એ ઇન્સ્યુલિન સંબંધિત સમસ્યાઓને કારણે થતી એક બીમારી છે, જેમાં ગ્લુકોસ કોષોની અંદર પ્રવેશી શકતું નથી અને લોહીના પ્રવાહમાં જ જળવાઈ રહે છે, જેના કારણે બ્લડ શુગરના સ્તરમાં વધારો થાય છે. સમય જતાં તે આરોગ્યના ગંભીર પરિણામો પેદા કરી શકે છે, જેમ કે, હૃદયરોગ, દ્રષ્ટિની સમસ્યા અને કીડનીની બીમારી.

ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસનું નિયમન કરવું એ માતા અને શિશુ એમ બંનેના આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે, બ્લડ શુગરનું અસ્થિર લેવલ જટિલતાઓ તરફ દોરી જઈ શકે છે. અનિયંત્રિત ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીઓને જન્મજાત ખોડખાંડપણોનું, ઉચ્ચ રક્તચાપ (હાઈ બ્લડ પ્રેશર), વધારે પડતા એમ્નિયોટિક ફ્લુઇડ અને મેક્રોસોમિયા (વધારે પડતું મોટું ભ્રૂણ)નું વધારે જોખમ રહેલું હોય છે.

સંતુલિત આહાર લેવો, નિયમિતપણે કસરત કરવી અને હેલ્થકૅર પ્રોફેશનલ દ્વારા લખી આપવામાં આવેલી દવાઓ લીધા બાદ બ્લડ શુગરના લેવલ પર ચાંપતી નજર રાખવી એ ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાનમાં રાખવાની ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે. જોખમોને શક્ય એટલા ઘટાડવા બ્લડ શુગરનું લેવલ નિયત કરવામાં આવેલી મર્યાદાઓની અંદર જ જાળવી રાખવું શ્રેષ્ઠ ગણાય છે.

ઇન્સ્યુલિન એ ગર્ભાવસ્થા દરમિયાન બ્લડ શુગરને નિયંત્રિત રાખવા માટેની પસંદગીની દવા છે અને હોર્મોનમાં આવતાં ફેરફારોને કારણે ઇન્સ્યુલિનની જરૂરિયાત વધી શકતી હોવાથી તેના ડૉઝમાં જરૂરી ફેરફાર કરવા પડી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન જે સ્ત્રીઓને ડાયાબિટીસનું નિદાન થયું હોય તેઓ જો આહારનું પ્લાનિંગ કરે અને નિયમિત કસરત કરે તો, તે તેમને બ્લડ શુગરના લેવલનું નિયમન કરવામાં મદદરૂપ થઈ શકે છે.

સુસંતુલિત અને પૌષ્ટિક આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં આહારની માત્રા પર નહીં પણ ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હોય. પ્રતિ દિન 300 કેલેરી સુધી કેલરીનું સેવન વધારવું એ સામાન્ય રીતે પૂરતું ગણાય છે. ફળો, શાકભાજી, આખા ધાન, ચરબી વગરનું માંસ, માછલી અને ઓછી ચરબી ધરાવતા ડેરી ઉત્પાદનો જેવો વૈવિધ્યપૂર્ણ આહાર લેવાની ભલામણ કરવામાં આવે છે.

ડાયાબિટીસનું નિયમન કરવા માટે શારીરિક પ્રવૃત્તિ પણ એટલી જ મહત્વની છે અને હેલ્થકૅર પ્રોવાઇડરની સાથે તમારા વ્યાયામના પ્લાનની ચર્ચા કરવી જોઇએ. સામાન્ય રીતે, ગર્ભાવસ્થા દરમિયાન ચાલવા, સ્વિમિંગ કે ઓછો પ્રભાવ ધરાવતી એરોબિક્સ જેવી ઓછો પ્રભાવ ધરાવતી પ્રવૃત્તિઓ કરવી સલામત ગણાય છે પરંતુ કેટલીક ચોક્કસ પરિસ્થિતિ માટે વ્યક્તિગત માર્ગદર્શન મેળવવું જરૂરી હોય છે.

જેમાં પડી જવાનું કે પેટના ભાગે ઇજા થવાનું જોખમ રહેલું હોય તેવી આકરી કસરત અને પ્રવૃત્તિઓને ટાળવી જોઇએ. યોગ્ય આહાર, કસરતના નિત્યક્રમ અને તબીબી ભલામણોનું ચુસ્તતાપૂર્વક પાલન કરીને ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીઓ તંદુરસ્ત ગર્ભાવસ્થા પ્રાપ્ત કરી શકે છે તથા પોતાના અને તેમના શિશુ માટે સંભવિત જટિલતાઓને શક્ય એટલી ઘટાડી શકે છે.19,20